Tuesday, 26 February 2013

મેંદી રંગ લાગ્યો

        મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે
 મેંદી રંગ લાગ્યો

 નાનો દિયરડો લાડકો જે, કંઇ લાવ્યો મેંદીનો છોડ રે
 મેંદી રંગ લાગ્યો

 વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને, ભાભી રંગો તમારા હાથ રે 
 મેંદી રંગ લાગ્યો

 હાથ રંગીને વીરા શું રે કરું? એનો જોનારો પરદેશ રે
 મેંદી રંગ લાગ્યો

 લાખ ટકા આલું રોકડા, કોઈ જાવ જો દરિયા પાર રે
 મેંદી રંગ લાગ્યો
 
 શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારી બેની પરણે ઘરે આવ્ય રે
 મેંદી રંગ લાગ્યો 

 બેની પરણે તો ભલે પરણે એની ઝાઝા દી રોકજો જાન રે
 મેંદી રંગ લાગ્યો

 શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારો વીરો પરણે ઘરે આવ્ય રે
 મેંદી રંગ લાગ્યો 

 વીરો પરણે તો ભલે પરણે એની જાડેરી જોડજો જાન રે
 મેંદી રંગ લાગ્યો

 શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો તારી માડી મરે ઘરે આવ્ય રે
 મેંદી રંગ લાગ્યો

 માડી મરે તો ભલે મરે એને બાળજો બોરડી હેઠ રે
 મેંદી રંગ લાગ્યો

 શોક્યના સાહ્યબાને જઈ એટલું કેજો કે તારી માનેતીની ઊઠી આંખ રે
 મેંદી રંગ લાગ્યો

 હાલો સિપાઈઓ, હાલો બંધુડા, હવે હલકે બાંધો હથિયાર રે
 મેંદી રંગ લાગ્યો

 મેંદી તે વાવી માળવે ને, એનો રંગ ગયો ગુજરાત રે
 મેંદી રંગ લાગ્યો રે

આશા ભર્યા તે અમે આવિયાં

                આશા ભર્યા તે અમે આવિયાં 
  ને મારે વાલે રમાડ્યા રાસ રે
  આવેલ આશા ભર્યા

  શરદપૂનમની રાતડી ને
  કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે
  આવેલ આશા ભર્યા

  આશા ભર્યા તે અમે આવિયાં
  ને મારે વાલે રમાડ્યા રાસ રે
  આવેલ આશા ભર્યા

  વૃંદા તે વનના ચોકમાં
  કંઈ નાચે નટવરલાલ રે
  આવેલ આશા ભર્યા

  આશા ભર્યા તે અમે આવિયાં
  ને મારે વાલે રમાડ્યા રાસ રે
  આવેલ આશા ભર્યા

  જોતાં તે વળતાં થંભિયાં
  ઓલ્યા નદિયું કેરા નીર રે
  આવેલ આશા ભર્યા

  આશા ભર્યા તે અમે આવિયાં
  ને મારે વાલે રમાડ્યા રાસ રે
  આવેલ આશા ભર્યા

  અષ્ટકુળ પર્વત ડોલિયા ને
  ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે
  આવેલ આશા ભર્યા

  આશા ભર્યા તે અમે આવિયાં
  ને મારે વાલે રમાડ્યા રાસ રે
  આવેલ આશા ભર્યા

  મે’તા નરસૈયાના સ્વામી શામળિયા
  સદા રાખો ચરણની પાસ રે
  આવેલ આશા ભર્યા

  આશા ભર્યા તે અમે આવિયાં
  ને મારે વાલે રમાડ્યા રાસ રે
  આવેલ આશા ભર્યા

Sunday, 24 February 2013

જયો જયો મા જગદમ્બે માતાજીની આરતી

જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા
ઓમ જયો જયો મા જગદમ્બે

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો, મા શિવ શક્તિ જાણો
બ્રહ્મા ગણપતિ ગાવે, બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં
ઓમ જયો જયો મા જગદમ્બે

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે, મા ત્રિભુવનમાં સોહે
જયા થકી તરવેણી, જયા થકી તરવેણી, સુરવેણી માં
ઓમ જયો જયો મા જગદમ્બે

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશે, ચાર ભૂજા ચૌ દિશે, પ્રકટ્યા દક્ષિણમાં
ઓમ જયો જયો મા જગદમ્બે

પંચમે પંચ ઋષિ, પંચમેં ગુણ સઘળાં, મા પંચમે ગુણ સઘળા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચ તત્વ ત્યાં સોહીએ, પંડે સત્વોમાં
ઓમ જયો જયો મા જગદમ્બે

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો, મા મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, નર નારીના રૂપે, વ્યાપ્યાં સર્વેમાં
ઓમ જયો જયો મા જગદમ્બે

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રિ
ગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા
ઓમ જયો જયો મા જગદમ્બે

અષ્ટમી અષ્ટ ભૂજા, ઓયે આનંદ મા, મા ઓયે આનંદ મા
સુરિ નર મુનિવર જનમ્યા, સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં
ઓમ જયો જયો મા જગદમ્બે

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા
ઓમ જયો જયો મા જગદમ્બે

દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા
ઓમ જયો જયો મા જગદમ્બે

એકાદશી અગિયારસે, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા
ઓમ જયો જયો મા જગદમ્બે

બારસે બાલા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં
ઓમ જયો જયો મા જગદમ્બે

તેરસે તુલજા રૂપ, તું તારૂણી માતા, મા તું તારૂણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં
ઓમ જયો જયો મા જગદમ્બે

ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા
ઓમ જયો જયો મા જગદમ્બે

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, મારકંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા
ઓમ જયો જયો મા જગદમ્બે

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે બાવીશમાં
સંવત સોળે પ્રગટ્યા, સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે
ઓમ જયો જયો મા જગદમ્બે

ત્રંબાવટી નગરીમાં, રૂપાવતી નગરી, મા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી
ઓમ જયો જયો મા જગદમ્બે

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા
બાળક તારા શરણે, બાળક તારા શરણે, અવિચલ પદ લેવા
ઓમ જયો જયો મા જગદમ્બે

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો, મા અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો
ઓમ જયો જયો મા જગદમ્બે

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, મા આરતી જે કોઈ ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે
ઓમ જયો જયો મા જગદમ્બે
Your Ad Here